શિયાળાની રાત્રે મહેલની બહાર ઘરડો ચોકીદાર ભરી રહ્યો હતો પહેરો, બાદશાહે તેને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ ઠંડી તો બહુ લાગે છે, પરંતુ મારી પાસે ગરમ કપડાં નથી, બાદશાહે કહ્યું કે, હું તારા માટે મહેલમાંથી ગરમ કપડાં મોકલાવું છું, સવારે ચોકીદારનું મૃત્યુ થઈ ગયું, જાણો કેમ?

પૌરાણિક લોકકથા અનુસાર, એક શિયાળાની રાત્રે બાદશાહે જોયું કે, તેના મહેલનો એક ઘરડો ચોકીદાર સામાન્ય વસ્ત્રોમાં જ પહેરો ભરી રહ્યો હતો. બાદશાહે ચોકીદારને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ, ઠંડી તો બહુ લાગે છે, પરંતુ મારી પાસે ગરમ કપડાં નથી, એટલે ઠંડી સહન કરવી પડે છે.

બાદશાહે કહ્યું કે, હમણાં જ મહેલમાંથી તારા માટે ગરમ કપડાં મોકલાવું છું. ચોકીદાર ખૂબજ ખુશ થઈ ગયો કે, હવે ઠંડી સહન કરવી નહીં પડે. મહેલમાં જઈને બાદશાહ બીજાં કામમાં લાગી ગયા અને ચોકીદારને ગરમ કપડાં મોકલાવવાનું ભૂલી ગયા.

સવારે લોકોએ જોયું કે, ઠંડીના કારણે મહેલના દરવાજા પર ચોકીદારનું મૃત્યુ થઈ ગયું હતું. ચોકીદારના શરીર પાસે માટીમાં કઈંક લખેલું હતું. મરતાં પહેલાં ચોકીદારે આંગળીથી માટીમાં લખ્યું હતું કે, જહાંપનાહ, ઘણાં વર્ષોથી હું શિયાળામાં સાદાં કપડાંમાં જ ચોકીદારી કરી રહ્યો હતો, પરંતુ કાલે રાત્રે તમે ગરમ કપડાં આપવાનો વાયદો કર્યો. આ વાયદાના કારણે મારું મન નબળું પડી ગયું અને હવે હું ઠંડી સહન કરી શકતો નથી.

આ વાતની જાણ જ્યારે બાદશાહને થઈ ત્યારે તેમને ખૂબજ પસ્તાવો થયો, પરંતુ હવે તે કઈંજ કરી શકે એમ નહોંતો.

બોધપાઠ

આ પ્રસંગની શીખ એ છે કે, મદદ માણસને નબળો પાડે છે. જ્યારે માણસને કોઇ પાસેથી મદદની આશા જાગે છે ત્યારે તે થોડો બેજવાબદાર અને નબળો બની જાય છે અને પૂરેપૂરી ઇમાનદારીથી કામ નથી કરતો. તેને લાગે છે કે, મદદથી મારું કામ થઈ શકે છે તો હું શું કામ મહેનત કરું. આવી સ્થિતિથી બચવું જોઇએ. પોતાની તાકાતના બળે જ જીવવું જોઇએ.

આ પણ વાંચજો – એક શાહુકારે ગરીબ પિતાને જણાવ્યું કે, મારા પૈસા પાછા આપ અથવા તારી સુંદર દિકરી સાથે લગ્ન કરાવ, તેણે એક બેગમાં બે પત્થર મૂક્યા અને કહ્યું તારી દિકરી કાળો પત્થર કાઢે તો તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે, જો સફેદ પત્થર નીકળશે તો તારું દેવું માફ, જાણો પછી શું થયું

Leave a Reply

error: Content is protected !!